
-એચ.પી.વી. વેક્સિન, પ્રાકૃતિક ખેતી સહિત શૈક્ષણિક-આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર થતા ગ્રામજનો
ગીર સોમનાથ 26 માર્ચ (હિ.સ.) નાગરિકોના સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને કચેરી સુધી આવવું ન પડે તે માટે જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે રાત્રીસભા યોજાઈ હતી.
કલેક્ટરએ ઈણાજના ગ્રામજનો સાથે સંવાદ સાધતાં પ્રાકૃતિક ખેતી, પાકધિરાણ યોજના, મોડેલ સ્કૂલમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંતર્ગત સ્કોલરશીપ અને બાળકોને કરાવવામાં આવતી ઈત્તર પ્રવૃત્તિઓ, આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના શારીરિક સ્વાસ્થ્ય, કુપોષિત બાળકોના પોષણ, મધ્યાહ્ન ભોજન સહિતની વ્યવસ્થાઓ વિશે પૃચ્છા કરી હતી.
'મારા કુટુંબની સુરક્ષા એ મારી જવાબદારી છે'નું સૂત્ર ધ્યાને રાખી અને કલેક્ટરએ તમામ ગ્રામજનો પી.એમ.જે.વાય કાર્ડ કઢાવી લે એ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. કલેક્ટરએ સગર્ભા મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા રાખી અને આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું.
ગ્રામજનોએ પ્લોટ ફાળવણી, અનધિકૃત દબાણ, ગામતળનો પ્રશ્ન સહિત પ્રશ્નો રજૂ કર્યા હતાં. કલેક્ટરએ ઉચિત રજૂઆતો સંદર્ભે સંલગ્ન વિભાગના અધિકારીઓને નિયમોનુસાર કાર્યવાહી કરવા માર્ગદર્શિત કર્યા હતાં.
પીએમ મોડેલ શાળાના આચાર્યશ્રીએ નમો સરસ્વતી યોજના, નમો લક્ષ્મી યોજના, સરસ્વતી સાધના યોજના, કે.જી.બી.વીમાં હોસ્ટેલ એડમિશન સહિતની વિદ્યાર્થીલક્ષી યોજનાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી રજૂ કરી હતી.
આત્માના ડિરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકારે ઉપસ્થિત સર્વે ખેડૂતો અને ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીની મહત્તા અને વિવિધ આયામો સમજાવ્યાં હતાં.
મેડિકલ ઓફિસર રાજદિપભાઈ મૂછારે આરોગ્ય વિભાગ અંતર્ગતની 'મમતા સેશન' અંતર્ગત રસીકરણ, સગર્ભાબહેનોની તપાસ, એચ.પી.વી. વેક્સિન, પી.એમ.જે.વાય કાર્ડ સહિત વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતાં.
આ રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સરપંચશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ સહિત એસ.એમ.સી. સભ્યો અને સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ