

- રાજ્યપાલએ ગામના અનુસૂચિત જાતિ પરિવારના રમીલા પરમારના પરિવારજનો સાથે ભોજન ગ્રહણ કર્યું
અમદાવાદ, 26 માર્ચ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વડોદ ગામના પ્રવાસ દરમિયાન ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાત્રિ સભા પૂર્વે રાજ્યપાલએ વડોદ ગામના અનુસૂચિત જાતિ પરિવારના રમીલા પરમારના ઘરે તેમના પરિવારજનો સાથે શુદ્ધ દેશી ભોજન ગ્રહણ કર્યું હતું. આ સાથે રાજ્યપાલએ પરિવારજનો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. રાજ્યપાલનું સાદગીભર્યો વ્યવહાર જોઈ પરિવારજનો આનંદિત થયા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાત્રિ સભામાં ગ્રામજનોને સંબોધતા પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો હતો અને પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ખેતી દરમિયાન જંતુનાશક દવાઓના કારણે થયેલા અનુભવ પછી તેમણે ઝેરી દવાઓથી મુક્ત ખેતી તરફ વળવાનો સંકલ્પ લીધો હતો.
તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે, ખર્ચ ઓછો થાય છે અને ખેડૂતોને વધુ નફો મળે છે. વધુમાં રાજ્યપાલએ ગ્રામજનોને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતી અપનાવી આદર્શ ગામના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વિઝનરી લીડર છે. દેશમાં સ્વચ્છતા અભિયાન અને ઘર ઘર શૌચાલયનું અભિયાન શરૂ કરી એક નવી રાહ ચિંધી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, વિજળી જેવા વિકટ પ્રશ્નો દૂર કર્યા છે.
રાજ્યપાલએ ગ્રામજનોને ધર્મનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે, લોકોના સુખ દુઃખમાં કામ આવશો તો ઈશ્વર પણ ખુશ થશે. તેમણે કહ્યું કે, જ્યારે આપણે પરિશ્રમ અને નિષ્ઠાથી કાર્ય કરીએ છીએ ત્યારે કુદરત પણ આપણો સાથ આપે છે.
રાજ્યપાલએ બાળકોના શિક્ષણ પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો છે. વધુમાં તેમણે બાળકોના સંસ્કાર વિશે વાત કરતા કહ્યું કે, બાળકોને સારા સંસ્કાર આપવાથી તેઓ પરિવાર, સમાજ અને ગામનું નામ ઉજ્જવળ બનાવે છે.
રાજ્યપએ વ્યસનમુક્તિ અંગે કહ્યું કે, બાળકોને વ્યસનથી દૂર રાખવા જોઈએ. વ્યસનો સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે માટે વ્યસન છોડી અમૂલ્ય જિંદગીને બચાવવી જોઈએ.
રાજ્યપાલએ પશુપાલન વિશે વાત કરતા જણાવ્યું કે, ગાયની નસલ સુધારવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ જેવી કે સેક્સ સોર્ટેડ સીમન પદ્ધતિ અપનાવવી જોઈએ.
રાજ્યપાલએ ઉપસ્થિત સૌ ગ્રામજનોને સર્વાંગી વિકાસ માટે એકતા અને સહકાર સાથે આગળ આવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ