
પાટણ, 26 માર્ચ (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી રામ નવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં ભગવાન શ્રીરામના જય જયકાર ગુંજી ઉઠ્યા હતા. ગામના મધ્યમાં આવેલા શ્રી રામજી મંદિર ખાતે ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી મહારાજ અને જાનકીજી માતાને નવીન વસ્ત્રો અને ફૂલહારથી સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા તેમજ 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભાઈઓ અને બહેનો દ્વારા રામ નામનો જાપ તેમજ ભજન-કીર્તન કરવામાં આવ્યું હતું. બપોરે મધ્યાહન આરતી બાદ અન્નકૂટનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ પોતાના ઘરે પણ ભગવાનને પ્રસાદ ધરાવી ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી.
જોકે આ વર્ષે ગામમાં નાની ઉંમરના લોકોના અવસાનને કારણે પટેલ સમાજ દ્વારા પરંપરાગત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું નહોતું. છતાં આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ