
જામનગર, 26 માર્ચ (હિ.સ.) સમાજમાં જ્યારે સંબંધો અને વિશ્વાસની વાત આવે ત્યારે લોહીના સંબંધો કરતા પણ મિત્રતાને ઉંચુ સ્થાન આપવામાં આવે છે, પરંતુ ક્યારેક આ જ ‘વિશ્વાસ’ ગળાફાંસો બની જતો હોય છે. જામનગરમાં વ્યાજવટાવના કાળા કારોબારમાં એક મિત્રએ જ બીજા મિત્રની લાચારીનો ફાયદો ઉઠાવી તેને પાયમાલ કરી દીધાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાયદાની ભાષામાં કહીએ તો, આ માત્ર નાણાકીય લેણદેણ નથી, પણ એક માનવીના વિશ્વાસનું ‘ખૂન’ અને કાયદાના શાસનને પડકારતી ઘટના છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ જામનગરના વતની અને હાલ અમદાવાદ બોપલ ખાતે રહેતા જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા સંજય વસંતભાઈ મકવાણાએ જામનગરના સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2011 થી અત્યાર સુધી ચાલેલા આ અન્યાયના દોરમાં આરોપી યુવરાજસિંહ જાડેજા એ ફરિયાદી સાથે મિત્રતાનો સંબંધ કેળવ્યો હતો.સંજયભાઈને નાણાંની જરૂરિયાત ઊભી થતા, યુવરાજસિંહએ સરકારી ધારાધોરણ કરતા અનેકગણું ઊંચું વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, સિક્યુરિટી પેટે જામનગરનું એક મકાન, બે ઓફિસ અને અમદાવાદની બે ઓફિસ મળી અંદાજે રૂ.4,00,00,000 ની મિલકતોના દસ્તાવેજો પોતાની પાસે રાખી લીધા હતા.ત્યાર બાદમાં ફરિયાદીને અંધારામાં રાખી, આ મિલકતો ત્રાહિત વ્યક્તિઓને વેચી મારી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. જેથી આ મામલાને પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે નવા કાયદા બી.એન.એસ. 2023 ની કલમ 316(2) અને 317(2) તેમજ ગુજરાત નાણા ધીરનાર અધિનીયમ 2011 ની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt