ખજોદ ડમ્પિંગ સાઈટની આગ ત્રીજા દિવસે યથાવત, કાબુમાં લેવા હજી બે દિવસ લાગશે
સુરત, 26 માર્ચ (હિ.સ.): સુરત શહેરની બાજુએ આવેલી ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગી આગ ત્રીજા દિવસે પણ સંપૂર્ણ રીતે બુઝાઈ નથી. ફાયર વિભાગ સતત પ્રયાસ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં લાખો લીટર પાણીનો છંટકાવ કરીને આગને મોટા ભાગે કાબુમાં લેવામાં આવી છે. છતાં કેટ
Surat


સુરત, 26 માર્ચ (હિ.સ.): સુરત શહેરની બાજુએ આવેલી ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગી આગ ત્રીજા દિવસે પણ સંપૂર્ણ રીતે બુઝાઈ નથી. ફાયર વિભાગ સતત પ્રયાસ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં લાખો લીટર પાણીનો છંટકાવ કરીને આગને મોટા ભાગે કાબુમાં લેવામાં આવી છે. છતાં કેટલાક વિસ્તારોમાં ધુમાડો અને આગના ચિંગારા હજી પણ દેખાઈ રહ્યા છે.

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આશરે 20 લાખ લીટર પાણીનો ઉપયોગ કરીને આગને ફેલાતી અટકાવવામાં સફળતા મળી છે. હાલમાં જ્યાં ધુમાડો ઉઠી રહ્યો છે ત્યાં સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો છે. આગને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લેવા માટે હજુ બે દિવસ જેટલો સમય લાગી શકે છે.

આ આગ 24 માર્ચે બપોરના સમયે અચાનક ભભૂકી ઉઠી હતી અને થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડ પહોંચી તે પહેલાં જ આગ મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ધુમાડો લગભગ 10 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યો હતો.

આ ઘટનાને લઈને વિવિધ ચર્ચાઓ પણ સામે આવી રહી છે. કચરા નિકાલની પદ્ધતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે અને આગ પાછળ કારણ શું હોઈ શકે તે અંગે તપાસની માંગ ઉઠી રહી છે. હાલ ફાયર વિભાગ આગ સંપૂર્ણપણે બુઝાવવા સાથે કુલિંગ પ્રક્રિયા હાથ ધરવા તૈયારીમાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande