

મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરીને લાખો રૂપિયાનું ગુમ થયેલું માલમસાલો મૂળ માલિકોને પરત આપ્યું છે. પોલીસ દ્વારા NCCRP અરજીના આધારે રૂ. 3,16,725 નો રિફંડ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પોલીસે ગુમ થયેલા 10 મોબાઈલ ફોન (કિંમત રૂ. 1,81,499), 6 તોલા સોનાના દાગીના (કિંમત રૂ. 7,90,000) તેમજ 4 સાયકલ (કિંમત રૂ. 15,000) મળી કુલ મોટા પ્રમાણમાં મુદ્દામાલ શોધી માલિકોને પરત કર્યો છે. પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં વિશ્વાસ વધ્યો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, નાગરિકોની ફરિયાદોને પ્રાથમિકતા આપી ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે આ સફળતા મળી છે. “તેરા તુજકો અર્પણ” જેવા કાર્યક્રમો દ્વારા ગુમ થયેલ વસ્તુઓને યોગ્ય માલિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મહેસાણા પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવતા કહ્યું કે, આવી પહેલથી પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત બને છે અને નાગરિકોને ન્યાય મળવાનો વિશ્વાસ વધે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR