
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) : રાજ્યમાં ચાલી રહેલા પોલીસ વિભાગના બદલીના દોર વચ્ચે મહેસાણા જિલ્લાના પોલીસ તંત્રમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લાના કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તે હેતુસર 10 અનુભવી અધિકારીઓને રાજ્યના વિવિધ શહેરો અને મહત્વપૂર્ણ શાખાઓમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે અન્ય જિલ્લાઓ અને સ્પેશિયલ યુનિટ્સમાંથી 10 નવા અધિકારીઓ મહેસાણા ખાતે ફરજ સંભાળવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મહેસાણાથી અમદાવાદ, સુરત, વડોદરા, મોરબી, ભાવનગર અને નર્મદા સહિતના વિસ્તારોમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે કેટલાક અધિકારીઓને GSPCA અને નાગરિક સંરક્ષણ જેવી મહત્વપૂર્ણ શાખાઓમાં નિયુક્તિ આપવામાં આવી છે. આ બદલીઓના પગલે જિલ્લાની પોલીસ કામગીરીમાં નવો દિશા અને ગતિ આવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ, જુનાગઢ, સુરેન્દ્રનગર, મહિસાગર, ગાંધીનગર, કચ્છ અને CID ક્રાઇમ સહિતની વિવિધ જગ્યાઓ પરથી નવા અધિકારીઓ મહેસાણા આવ્યા છે. ખાસ કરીને ઇન્ટેલીજન્સ અને CID જેવા વિભાગોમાંથી આવેલા અધિકારીઓના અનુભવથી સ્થાનિક પોલીસ તંત્રને વધુ મજબૂતી મળશે તેવી આશા છે.
આ ફેરફારોને પગલે મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક બને તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR