
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દ્રાડ ગામમાં બનેલા લૂંટ સાથે હત્યા કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને નંદાસણ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ બનાવમાં 54 વર્ષીય શારદાબેન ઠાકોરની હત્યા કરીને તેમની લાશ જમીનમાં દાટી દેવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, શારદાબેન 20 માર્ચે ઘાસચારો લેવા ખેતરમાં ગયા હતા, પરંતુ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી અને 21 માર્ચે પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શંકાસ્પદ હરકતોને આધારે કડી તાલુકાના રાજપુર ગામના સચિન મુકુંદ દંતાણીની અટકાયત કરી હતી. કડક પૂછપરછમાં આરોપીએ હત્યા અને લૂંટની કબૂલાત કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ આશરે રૂ. 4,40,000ના સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ 23 માર્ચે સવિતા ફાર્મ નજીક લીંબુડીઓના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે આરોપીને જેલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઝડપી કામગીરીને સ્થાનિક લોકો દ્વારા સરાહવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR