
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) : ઊંઝા શહેરમાં રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામચંદ્રજીની 62મી ભવ્ય નગરયાત્રા ધામધૂમથી નીકળી હતી. શ્રી રામજી મંદિર સંસ્થાન દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના સુખડીપોળ વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે સવારે ભજન-કીર્તન અને પૂજા-અર્ચનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
સાંજે મંદિર પરથી ભવ્ય નગરયાત્રાનો પ્રારંભ થયો, જેમાં ભગવાન શ્રી રામની સુંદર ઝાંખી સાથે ભક્તો “જય શ્રી રામ”ના જયઘોષ સાથે આગળ વધતા નજરે પડ્યા હતા. યાત્રામાં મહિલાઓએ માથે કલશ ધારણ કરી શ્રદ્ધાભેર ભાગ લીધો હતો, જ્યારે યુવાનો અને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને રાકેશ જે. પટેલ (જેપી) સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી આ નગરયાત્રાને લોકો દ્વારા હર્ષોલ્લાસથી આવકારવામાં આવી હતી.
નગરયાત્રા દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને રામનવમીનો તહેવાર ઊંઝા શહેરમાં અનોખા ઉમંગ અને શ્રદ્ધા સાથે ઉજવાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR