
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કામલી ગામે શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થાન ટ્રસ્ટ દ્વારા પરંપરાગત ‘શુકન વર્તારો’ યોજાયો હતો. ચૈત્ર સુદ-7, બુધવારના રોજ માતાજીના આશીર્વાદ સાથે વિક્રમ સંવત 2082 માટેનો વર્તારો જાહેર કરવામાં આવ્યો, જેમાં આગામી વર્ષ માટે કૃષિ, વેપાર અને સામાજિક ક્ષેત્રે શુભ સંકેતો દર્શાવવામાં આવ્યા છે.
વર્તારાના અનુમાન મુજબ, આ વર્ષે વિપુલ પ્રમાણમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે. ખાસ કરીને ઘઉં, એરંડા, કપાસ અને જુવાર જેવા પાકોમાં સારો ઉત્પાદન થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગામજનોના આરોગ્યમાં સુધારો અને સુખાકારીમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે.
વેપારી વર્ગ માટે પણ આ વર્ષ લાભદાયક રહેવાનું અનુમાન છે, જેમાં બજારમાં સ્થિરતા અને વિકાસ જોવા મળશે. ગામની એકતા વધુ મજબૂત બનશે અને તમામ સમુદાય માટે સુખદ પરિસ્થિતિ સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે યુવાઓ પ્રગતિ કરશે અને નવી તકો પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર રીતે આવતું વર્ષ સમૃદ્ધિ અને આનંદ લાવનાર બનશે તેમ વર્તારામાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR