
પોરબંદર, 26 માર્ચ (હિ.સ.) : માધવપુર ઘેડનું ભવ્ય, પૂર્વાભિમુખ ઊભેલું પ્રાચીન મંદિર સોલંકી યુગની કલા અને ભાવનાની જીવંત સાક્ષીરૂપે આજેય અડગ ઊભું છે. મંદિર સાથે જ અહીં સોલંકીકાલની મૂર્તિઓ પણ સ્થાપિત છે, જે દર્શાવે છે કે આ સ્થળનું ધાર્મિક તથા ઐતિહાસિક મહાત્મ્ય પૌરાણિક યુગોથી પણ વધુ જૂનું છે.
વિચારજગતને ચકિત કરનારી એક મહત્વની નોંધ સિદ્ધપુરમાં વસતા ભીમ કેશવદાસના સાહિત્યમાંથી મળે છે. સંવત 1541માં ભીમ કેશવદાસે હરીલીલષોડશકલા શીર્ષકથી સમગ્ર શ્રીમદ ભાગવતનો 16 ખંડોમાં આખ્યાન પદ્ધતિએ રસપ્રદ નિરૂપણ આપ્યું છે. ત્યારબાદ સંવત 1546 માં પ્રભાસપાટણમાં રહી તેમણે કૃષ્ણમિશ્રકૃત સંસ્કૃત નાટક કૃષ્ણચંદ્રોદયનો પ્રાસબદ્ધ ગુજરાતી અનુવાદ પ્રબોધચંદ્રોદય નામે કરી ભાવિ પેઢીઓને ગુજરાતી સાહિત્યની દ્રષ્ટિએ અમૂલ્ય વારસો આપ્યો હતો.
હરીલીલષોડશકલા'માં શ્રીકૃષ્ણ અને રુક્મિણીના વિવાહ પ્રસંગનું વર્ણન કરતાં કવિ માધવપુર ઘેડનું સ્પષ્ટ ઉલ્લેખ કરે છે:
_દ્વારવતી ભણી સાંચારયા કેશવ બલભદ્રવીર,
પુહુતા તે માધવપુરિ નગરી વસઈ સાગરતીર,તિહા મહા નદી મધુમતી અતિ ઉછવ રૂપીણીવનમાંહિ,
હાથમેલાવું હરિ તણું, હું રુકમિણીવિવાહ._
આ કાવ્યના આધાર પર એક મહત્વપૂર્ણ તથ્ય સામે આવે છે – કે કૃષ્ણ-રૂક્મિણીના વિવાહનો પાવન પ્રસંગ કોઈ ધાર્મિક કલ્પના નહીં, પણ ઐતિહાસિક સંભારણા તરીકે લોકોમાં જીવીત રહ્યો છે. આશંકા નથી કે માધવપુર ઘેડમાં પાંચસો વર્ષ પહેલાંથી આ વિવાહોત્સવ ધામધૂમથી ઉજવાતો આવ્યો છે અને લોકસંસ્કૃતિમાં તેને મેળા સ્વરૂપે સ્થાન મળ્યું છે.
માધવપુર ઘેડના મેળાનો તા.27 માર્ચ 2026 થી પ્રારંભ થઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા બે સંસ્કૃતિના મિલન અને સાંસ્કૃતિક વિરાસતની ઉજવણી અંતર્ગત ઉત્તર-પૂર્વ અને ગુજરાતના કલાકારો દ્વારા ભવ્ય પ્રસ્તુતી કરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya