સુરતમાં નકલી અમેરિકન બાયર બની ગેંગ ચલાવનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો
સુરત, 26 માર્ચ (હિ.સ.): સુરતના હીરા ઉદ્યોગને નિશાન બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી ચલાવનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર હરેકૃષ્ણ ઉર્ફે હરી કમલેશભાઈ રાવળ પોલીસના જાળમાં ફસાયો છે. 28 વર્ષીય આરોપીને કતારગામ વિસ્તારની લલિતા ચોકડી પાસેથી પકડી લેવામાં આવ્યો
Arrest


સુરત, 26 માર્ચ (હિ.સ.): સુરતના હીરા ઉદ્યોગને નિશાન બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી ચલાવનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર હરેકૃષ્ણ ઉર્ફે હરી કમલેશભાઈ રાવળ પોલીસના જાળમાં ફસાયો છે. 28 વર્ષીય આરોપીને કતારગામ વિસ્તારની લલિતા ચોકડી પાસેથી પકડી લેવામાં આવ્યો છે. આ ગેંગે અમેરિકાની પ્રતિષ્ઠિત કંપનીના પ્રતિનિધિ બની વેપારીઓનો વિશ્વાસ જીતી કરોડોની હીરાની છેતરપિંડી આચરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગેંગ ‘RapNet’ જેવી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હીરા વેપારીઓની માહિતી મેળવી તેમની સાથે સંપર્ક સાધતી હતી. આરોપીઓ વર્ચ્યુઅલ નંબર અને નકલી વોટ્સએપ પ્રોફાઇલ બનાવી પોતાને વિદેશી બાયર તરીકે રજૂ કરતા હતા. તેઓ અમેરિકાની જાણીતી કંપનીઓના નામ, લોગો અને અધિકારીઓની માહિતીનો ઉપયોગ કરી વિશ્વસનીયતા ઊભી કરતા હતા.

વેપારીઓને 7 દિવસમાં પેમેન્ટ કરવાની ખાતરી આપી હીરાનો જથ્થો હોંગકોંગ, દુબઈ અથવા બેંકોક મોકલાવવામાં આવતો હતો. માલ મળ્યા પછી ગેંગ તરત જ સંપર્ક તોડી દેતી અને વર્ચ્યુઅલ નંબરો બંધ કરી દેતી હતી. આ રીતે ગેંગે કુલ 5,34,220 ડોલર (લગભગ 4.80 કરોડ રૂપિયા)ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

સુરત ઇકો સેલે ટેકનિકલ સર્વેલન્સ અને અગાઉ ઝડપાયેલા ચાર આરોપીઓની પૂછપરછના આધારે આ માસ્ટરમાઈન્ડ સુધી પહોંચી હતી. ગેંગના અન્ય સભ્યોમાં નિકુંજ આંબલિયા, મિતુલ ગોટી, અનુજ શાહ અને ચેતન સાગરનો સમાવેશ થાય છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા વેપારીઓને નિશાન બનાવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande