

પાટણ, 26 માર્ચ (હિ.સ.)હારીજ ખાતે રામનવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામલલ્લાની આઠમી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આયોજનમાં નગરના વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવા ધ્વજ અને ‘જય શ્રી રામ’ના ગુંજતા નારાઓ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શોભાયાત્રા ગામ તળાવના રામજી મંદિરથી વાલ્મિકી સમાજની દીકરીઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી. યાત્રા સરદાર ચોક, રેલવે ફાટક, ગંજબજાર રોડ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ ફરી મંદિર ખાતે પરત ફરી હતી. માર્ગમાં વિવિધ સ્થળોએ છાશ, પાણી, શરબત અને નાસ્તાની સેવા સાથે લોકો દ્વારા ફૂલહાર અને કંકુથી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાધુ-સંતો, ધારાસભ્ય અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બાળકો દ્વારા રામાયણના પાત્રોની વેશભૂષા અને દેશભક્તિના ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જ્યારે ફટાકડા અને આતશબાજીએ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહભેર બનાવી દીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ