




- તાલીમી યુવાનોને રાજયોગ, મેડીટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શક્તિ પર કાબુ મેળવવા માર્ગદર્શન
- ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના 250 થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો
- 13 માર્ચથી શરૂ થયેલ આધ્યાત્મિક સશક્તિકરણ અંતર્ગત ગુજરાત ભરમાં ફરી અમદાવાદ પુર્ણાહુતિ થશે
ભરૂચ 27 માર્ચ ( હિ. સ ) : ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થી પોલીસ જવાનો માટે માનસિક શાંતિ અને નૈતિક મૂલ્યોના સંવર્ધન અર્થે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલીમાર્થીઓને જીવનમાં આધ્યાત્મિકતાનું મહત્વ સમજાવી સાત દિવસીય 'રાજયોગ શિબિર'માં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આધ્યાત્મિક શક્તિથી કાર્યક્ષમતા વધશે
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારીઝ સંસ્થાના ઈન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર સોમનાથ ભાઈએ ઉપસ્થિત રહી 'આધ્યાત્મિક સશક્તિકરણ' વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પોલીસની કપરી ફરજ દરમિયાન માનસિક સંતુલન જાળવી રાખવા માટે રાજયોગ અને આધ્યાત્મિક જ્ઞાન અનિવાર્ય છે. આ શક્તિ દ્વારા જવાન પોતાની કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે અને તણાવમુક્ત રહી શકે છે.
બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સિક્યુરિટી વીક દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત ભરૂચમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ જવાનોએ ને નિયમિતતા પ્રમાણિકતા અને સદગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરાયો હતો
આ કાર્યક્રમમાં ભરૂચના ડીવાયએસપી સી.કે. પટેલ તેમજ ગાંગુલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સંસ્થાના આ પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી તાલીમાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરમાં મોટો ફાયદો થશે. અધિકારીઓની પ્રેરક હાજરીએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ પરિવારના સભ્યો એવા કમલ અને જયશ્રીબેન સહિત સંસ્થાના અનેક સમર્પિત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ તાલીમાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રાજયોગના માધ્યમથી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ