
બોટાદ,28 માર્ચ (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલ ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંગે જાગૃતિ અને માહિતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને રસ્તા પર રોજગાર કરતા લોકો સુધી સરકારની સહાયકારી યોજનાની માહિતી પહોંચાડવાનો હતો.કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ મળતી લોન સહાય, વ્યાજ સબસિડી તેમજ સમયસર ચૂકવણી પર મળતા પ્રોત્સાહન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને કોરોના મહામારી બાદ નાના વેપારીઓને ફરી ઉભા કરવા માટે આ યોજના કેટલી મહત્વપૂર્ણ છે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.ગ્રામ પંચાયતના સભ્યો અને અધિકારીઓએ ઉપસ્થિત લોકોને જણાવ્યું કે આ યોજના અંતર્ગત નાના વેપારીઓને લોન આપવામાં આવે છે, જે સમયસર પરત ચુકવવામાં આવે તો વધુ રકમની લોન મેળવવાની તક પણ મળે છે. સાથે જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહન તરીકે કેશબેક જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત વેપારીઓએ યોજનાની વિગતોમાં રસ દાખવ્યો હતો અને કેટલીક શંકાઓ અંગે પ્રશ્નો પણ પૂછ્યા હતા, જેના સંતોષકારક જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. ઘણા લાભાર્થીઓએ સ્થળ પર જ અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શન મેળવી નોંધણી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વધુમાં વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે તે માટે ગામસ્તરે સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. આ કાર્યક્રમથી ગામના નાના વેપારીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ પોતાના ધંધાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત બન્યા છે.આ રીતે ઢસા ગ્રામ પંચાયતનો આ પ્રયાસ સ્થાનિક વેપારીઓ માટે લાભદાયી સાબિત થયો છે અને સરકારની યોજનાઓ લોકોને સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT