જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
જૂનાગઢ, 27 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય સર્વ દેવા માલમ, સંજય કોરડીયા, અરવિંદ લાડાણી, ગોપાલ ઇટાલીયાની ઉપસ્થિતિમાં
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ


જૂનાગઢ, 27 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે જૂનાગઢ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય સર્વ દેવા માલમ, સંજય કોરડીયા, અરવિંદ લાડાણી, ગોપાલ ઇટાલીયાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ લોકોના પ્રશ્નોનું ઝડપભેર ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા માટે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી, તેમણે ધારાસભ્યઓએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોને સકારાત્મક અભિગમ સાથે નિરાકરણ કરવા ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોનું સમય મર્યાદામાં નિવારણ થાય તે માટે નિર્દેશ આપ્યા હતા.

આ ઉપરાંત વરસાદી પાણીના સંગ્રહ માટે જુદા જુદા કામો હાથ ધરવા માટે પણ સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઈ શકે તે માટે વન વિભાગ સહિતના વિસ્તારમાં તળાવ ચેકડેમના ડીસલ્ટિંગ માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો.

ટીબી મુક્ત ભારત અભિયાનને જૂનાગઢ જિલ્લામાં વધુ પ્રભાવી બનાવવા માટે નિક્ષય મિત્ર યોજના હેઠળ પ્રતિનિધિઓ સાથે મળીને સહિયારો પ્રયાસ કરવા પર ભાર આપવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ રોડ રસ્તા, દબાણ, વીજ પુરવઠો, યોજનાકિય લાભો, નેશનલ હાઈવે પર પાણીના નિકાલ, ગ્રામ પંચાયતના નિર્માણ, ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીનું સમયસર ચુકવણું સહિતના પ્રજાકીય પ્રશ્નો રજૂ કર્યા હતા, આ સંદર્ભમાં સલગ્ન અધિકારીઓએ પણ પ્રશ્નોના નિવારણ અર્થેના પ્રત્યુતર પાઠવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડ, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા સહિતના જિલ્લા સંકલન સમિતિના સભ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande