
મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) મહેસાણા લોકસભાના સાંસદ હરિ પટેલે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન મહેસાણા જિલ્લાના વિકાસને લગતો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ગૃહમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં વધતી જતી મહત્વતાને ધ્યાનમાં રાખીને મહેસાણા ખાતે AI ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી.
સાંસદ હરિ પટેલે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ કોલેજો અને પ્રતિભાશાળી યુવાનો તરફ દોર્યું હતું. તેમણે જણાવ્યું કે આજના સમયમાં શિક્ષણ, ઉદ્યોગ અને ટેકનોલોજી ક્ષેત્રે AI નો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે મહેસાણા જેવા વિકસતા વિસ્તારમાં આ પ્રકારનું સેન્ટર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
તેમણે આશા વ્યક્ત કરી કે AI ઈનોવેશન સેન્ટર સ્થાપિત થવાથી સ્થાનિક યુવાનોને આધુનિક ટેકનોલોજી વિષયક તાલીમ અને માર્ગદર્શન મળશે. સાથે જ નવી શોધખોળ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળશે, જે વિસ્તારના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે.
આ માંગ સ્વીકારવામાં આવે તો મહેસાણા અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને નવી તકો મળશે અને ટેકનોલોજીના ક્ષેત્રે તેઓ આગળ વધી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR