
મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) બેચરાજી ખાતે યોજાનાર ચૈત્રી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આરોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીનના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભરત સોલંકીએ 2 મોબાઈલ ટીમ સહિત કુલ 17 મેડિકલ ટીમો તૈનાત કરી છે.
આ ટીમોમાં મેડિકલ ઓફિસર, આયુષ તબીબો, સ્ટાફ નર્સ અને અન્ય આરોગ્યકર્મીઓ મળી 50થી વધુ સ્ટાફ જોડાયો છે. સામેત્રા, મીઠા, બલોલ, નદાસા, કાલરી, મોઢેરા અને બેચરાજી સહિતના મુખ્ય સ્થળોએ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહેશે. અહીં પ્રાથમિક સારવાર, દવાઓનું વિતરણ અને જરૂરી તપાસની સુવિધા પૂરી પાડવામાં આવશે.
મોબાઈલ ટીમો મેળા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરીને સ્થળ પર જ સારવાર આપશે. ઉપરાંત 108 એમ્બ્યુલન્સ સેવા અને રેફરલ વ્યવસ્થા સજ્જ રાખવામાં આવી છે.
ગરમીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને વધુ પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા મેળો સુરક્ષિત અને આરોગ્યપ્રદ રીતે યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR