
મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) વિસનગરના પીંડારિયા તળાવ પાસે ગુરુ શ્રી વસંતા બાવાજીના નૂતન સમાધિ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
શોભાયાત્રા ફતેહ દરવાજા ખાતેથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સમાધિ મંદિર સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન ભક્તોએ ધાર્મિક ઉલ્લાસ સાથે ભાગ લીધો અને માર્ગો પર ભક્તિમય માહોલ સર્જાયો હતો.
મહોત્સવ દરમિયાન સાંજે મહા આરતી બાદ ભજન સંધ્યા, લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ દાતાઓના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને સાંસદ હરિભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR