
મહેસાણા, 27 માર્ચ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકાના PHC કરણનગર હેઠળ આવતાં વામજ સબ સેન્ટર વિસ્તારમાં TB Mukt Bharat અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ આરોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન બુડાસણ ગામ તેમજ નજીકના GIDC વિસ્તારમાં કુલ 102 લાભાર્થીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા.
આ અભિયાનનો મુખ્ય હેતુ ક્ષયરોગ (TB) સહિતના શ્વાસ સંબંધિત રોગોના વહેલા નિદાન દ્વારા સમયસર સારવાર સુનિશ્ચિત કરવાનો હતો. તબીબી ટીમ દ્વારા સ્થળ પર જ જઈને લોકોની તપાસ કરવામાં આવી હતી, જેથી ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોમાં રહેનારા લોકોને સરળતાથી આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે.
ખાસ કરીને TB રોગના નિદાન માટે એક્સ-રે તપાસ મહત્વપૂર્ણ સાધન સાબિત થાય છે. અભિયાન દરમિયાન તબીબો દ્વારા લોકોને TB અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકો દ્વારા આ કામગીરીને સારો પ્રતિસાદ મળ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા અભિયાનો લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદરૂપ બને છે અને સમયસર સારવારથી ગંભીર બીમારીઓને અટકાવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR