
વલસાડ, 27 માર્ચ (હિ.સ.): વલસાડ મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાત રાજ્ય પ્રભારી તનુજા આર્યના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રભારી મીના તોલાનીના નેતૃત્વમાં રામનવમીના દિવસે પરમ પૂજ્ય શ્રદ્ધેય યોગ ગુરુ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજનો દીક્ષા દિવસ સમારોહ ભવ્ય રીતે અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો.
આ શુભ પ્રસંગે ૩૧ કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવાયો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમમાં રાજ્ય સંવાદ પ્રભારી પુષ્પા સાગઠીયા તથા જયરાજ પાર્કના આશાબેન દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા મહામંત્રી દક્ષા રાઠોડ, તાલુકા મહામંત્રી સુશીલાબેન, યોગ શિક્ષિકા મિલીબેન, અર્ચના બહેન તથા ચેતના બહેન સહિત અનેક સાધકગણ અને જયરાજ પાર્કના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભજન અને ગરબાની સાથે કાર્યક્રમને આનંદમય અને ઉત્સાહપૂર્ણ બનાવાયો હતો. તમામ ઉપસ્થિત મહાનુભાવોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ગુરુજીનો સંકલ્પ “દરેક ઘરમાં યોગ, ઘર-ઘર યોગ” સાકાર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે