
રાજપીપલા,27 માર્ચ (હિ.સ.) ગાંધીનગરથી સ્થિત BISAG મારફતે આજે રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, ખેડૂત મિત્રો, માસ્ટર ટ્રેનર્સ તેમજ કૃષિ વિભાગના અધિકારીઓ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વર્ચ્યુઅલ સંવાદ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી પદ્ધતિ નહીં પરંતુ આવનારી પેઢીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનો અને માનવતાની સેવા કરવાનો એક ઈશ્વરીય માર્ગ છે, એવો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ વર્ચ્યુઅલ પરિસંવાદમાં નર્મદા જિલ્લાના ટ્રેનર્સ અને ખેડૂતો પણ ઓનલાઇન માધ્યમ દ્વારા ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
સંવાદ દરમિયાન રાજ્યપાલએ જણાવ્યું કે, પરંપરાગત જૈવિક ખેતીમાં ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું રહે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી શૂન્ય ખર્ચ આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તેમાં બહારથી મોંઘા ખાતર કે જંતુનાશક ખરીદવાની જરૂર રહેતી નથી અને માત્ર એક દેશી ગાયના આધાર પર ખેતી શક્ય બને છે.
દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં અંદાજે 300 થી 500 કરોડ સુધીના સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. બેસન, ગોળ, માટી, ગોબર અને ગોમૂત્રથી બનેલા ‘જીવામૃત’માં આ જીવાણુઓ ખૂબ ઝડપથી વધે છે અને 72 કલાકમાં અબજો-ખરબો જીવાણુઓ તૈયાર થાય છે, જે જમીનને ઉપજાઉ બનાવવામાં અને પોષક તત્વોને છોડ માટે ઉપલબ્ધ બનાવવામાં મદદરૂપ બને છે.
આ ઉપરાંત યુરિયા અને DAP જેવા રાસાયણિક ખાતરોના અતિરેક ઉપયોગને કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટીને 0.5 ટકા કરતાં પણ ઓછો રહ્યો છે, જેના પરિણામે જમીન કઠોર બની રહી છે. આવી જમીન વરસાદી પાણી શોષી શકતી નથી, જેના કારણે પૂર અને સુકારા જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. સાથે જ કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું કે, તેઓ શરૂઆતમાં પોતાની કુલ જમીનના ચોથા ભાગમાં પ્રાયોગિક રીતે પ્રાકૃતિક ખેતી શરૂ કરે. પરિણામ સકારાત્મક મળતાં તેઓ સ્વયં સમગ્ર ખેતીને પ્રાકૃતિક ખેતી તરફ વાળી શકશે.
માસ્ટર ટ્રેનર્સ, ખેડૂત મિત્ર અને કૃષિ સખીઓને પોતાના ખેતરને ‘મોડલ ફાર્મ’ તરીકે વિકસાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી અન્ય ખેડૂતો પ્રેરણા લઈ શકે.
અંતમાં, વડાપ્રધાનના ‘રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન’ અંતર્ગત દરેક ગામમાં ઓછામાં ઓછા 75 પ્રાકૃતિક ખેડૂતો તૈયાર કરવાનો સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ