
જામનગર, 27 માર્ચ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ હટાવી રૂ. 2 કરોડની કિંમતની 12,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે.
આ મેગા ઓપરેશનમાં એક હીટાચી અને ત્રણ જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનેલા એક ધાર્મિક સ્થળ (જમાતખાના)નું દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેમાં બે માળ સહિતના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.
રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધા બાદ શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમની મુલાકાત બાદ જામનગરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને પોલીસ તથા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના આદેશ બાદ આ ડિમોલેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહી માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર બ્રિગેડની ટીમ સહિત 50 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો સવારે બચુ નગર પહોંચ્યો હતો. ડિમોલેશન દરમિયાન સિટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી પણ મદદમાં જોડાઈ હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણની રાહબરી હેઠળ આ સમગ્ર કાર્યવાહી વહેલી સવારથી જ સ્થળ પર શરૂ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt