

પાટણ, 28 માર્ચ (હિ.સ.)સિદ્ધપુર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્યની બદલી નિમિત્તે ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અને સદાબહાર ગ્રુપ દ્વારા તેમની જનસેવાને બિરદાવવા વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે લાંબા સમય સુધી શહેરમાં ફરજ બજાવી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખતાં માનવીય અભિગમ દાખવ્યો હતો.
આ સન્માન સમારંભ ૨૭ માર્ચ, ૨૦૨૬ના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે અંબાવાડી સ્થિત પુરુષ ભંડાર ખાતે યોજાયો હતો. શહેરના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને મહિલા મંડળો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહ્ન આપી તેમનું સન્માન કર્યું હતું.
પ્રત્યુત્તર આપતા જે.બી. આચાર્ય ભાવુક બન્યા હતા અને સિદ્ધપુરના નાગરિકોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, શહેર સાથેનો તેમનો નાતો માત્ર વહીવટી નહીં પરંતુ હૃદયપૂર્વકનો રહ્યો છે. કાર્યક્રમની વ્યવસ્થા સદાબહાર ગ્રુપ અને ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના સભ્યો દ્વારા સંભાળવામાં આવી હતી અને અંતે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ