
અમદાવાદ,28 માર્ચ (હિ.સ.) હવેથી અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાના મુસાફરો હવે ટર્મિનલ-2 શિફ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઈન્ડિયાએ તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટની કામગીરી 29 માર્ચ, 2026થી ટર્મિનલ-1 (T1) પરથી ટર્મિનલ-2 (T2) પર શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.
અત્યાર સુધી એર ઈન્ડિયાની માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ જ ટર્મિનલ-2 પરથી કાર્યરત હતી, પરંતુ હવે સાપ્તાહિક 210 જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન પણ અહીંથી જ કરવામાં આવશે.
મુસાફરોના અનુભવને વધુ બહેતર બનાવવાના આશય સાથે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 49,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું ટર્મિનલ-2 આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં મુસાફરોને 52 ચેક-ઈન કાઉન્ટર, સેલ્ફ-બેગેજ ડ્રોપ કિઓસ્ક, ડિજીયાત્રા અને 17 ડિપાર્ચર ઇમિગ્રેશન કાઉન્ટર જેવી સુવિધાઓ મળશે.
વધુમાં, આગમન અને પ્રસ્થાન માટે 8 ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ઇ-ગેટ્સ પણ કાર્યરત છે, જે મુસાફરીને ઝડપી અને સરળ બનાવશે.
એર ઈન્ડિયા દ્વારા તમામ મુસાફરોને SMS અને ઈ-મેઈલ દ્વારા આ ફેરફાર અંગે જાણ કરવામાં આવી રહી છે. છેલ્લી ઘડીની અસુવિધા ટાળવા માટે મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલા પોતાના ટર્મિનલની વિગત બે વાર ચકાસી લેવા સલાહ આપવામાં આવી છે. હવેથી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સ માટે માત્ર ટર્મિનલ-2નો જ ઉપયોગ કરવાનો રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ