
ભાવનગર, 28 માર્ચ (હિ.સ.) : ભાવનગર શહેર ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે. ભાવનગર–નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભ રવિવાર તા. 29 માર્ચથી થવા જઈ રહ્યો છે. આ અવસરે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. આર. નાયડુ ભાવનગર આવી પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવશે. ભાવનગરના વિકાસ માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાઈ રહી છે. ભાવનગરની બંધ થયેલી હવાઈ સેવા ફરી શરૂ કરાવવા માટે સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ સતત પ્રયત્નો કર્યા હતા. તેમના અથાગ પ્રયાસોને ભાવનગરના વતની અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો છે. આ સંયુક્ત પ્રયાસોના પરિણામરૂપે ભાવનગર એરપોર્ટ ફરીથી નિયમિત હવાઈ સેવા સાથે જોડાઈ રહ્યું છે. રવિવારે સવારે 8:35 કલાકે ભાવનગર એરપોર્ટ પરથી નવી મુંબઈ માટે પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરશે, જેને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. આર. નાયડુ દ્વારા ફ્લેગ ઑફ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય સેજલબેન પંડયા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય શીવાભાઈ ગોહિલ અને ભીખાભાઈ બારૈયા તેમજ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વિવિધ એસોસિયેશન ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ભાવનગર–નવી મુંબઈ રૂટ પર સવાર અને સાંજ એમ દિવસમાં બે ટ્રિપ સંચાલિત થવાની છે. આ હવાઈ સેવા શરૂ થવાથી ભાવનગરના વેપાર-ઉદ્યોગને નવી દિશા મળશે અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસને વેગ મળશે. નવી મુંબઈ મારફતે દેશના અન્ય મહાનગરો માટે સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનવાથી હવાઈ પરિવહન ક્ષેત્રે ભાવનગર માટે મહત્વપૂર્ણ સુવિધા ઉભી થશે .આ વિશેષ પહેલરૂપે, પ્રથમ ફ્લાઇટમાં 30 દિવ્યાંગજન અને શિક્ષકોને મુંબઈ મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે સમાજપ્રતિ સહાનુભૂતિ અને સમાવેશના ભાવને પ્રતિબિંબિત કરતી પહેલ તરીકે નોંધપાત્ર બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT