
અમરેલી, 28 માર્ચ (હિ.સ.) : લાઠી ખાતે આવેલ લાલાજી દાદાનો વડલો હોસ્પિટલમાં અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ પ્રિવેન્શન તથા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને ઓનલાઈન ઠગાઈ અને સાયબર ગુનાઓથી બચાવવા માટે જાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ સાયબર ક્રાઈમના વધતા બનાવો વિશે માહિતી આપી અને લોકો કેવી રીતે સાવચેત રહી શકે તે અંગે માર્ગદર્શન આપ્યું. ખાસ કરીને ફેક કોલ, OTP શેરિંગ, સોશિયલ મીડિયા ફ્રોડ, ઓનલાઈન બેન્કિંગ છેતરપિંડી જેવા મુદ્દાઓ પર વિસ્તૃત સમજણ આપવામાં આવી. ઉપસ્થિત લોકોને અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવી, પોતાની વ્યક્તિગત માહિતી કોઈ સાથે શેર ન કરવી અને શંકાસ્પદ વ્યવહાર જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, યુવાનો અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. અંતે લોકોમાં સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવા માટે આવા કાર્યક્રમો વધુ યોજવાના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai