
અમરેલી, 28 માર્ચ (હિ.સ.) ડુંગર પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત એક ઉત્તમ અને જાગૃતિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ડુંગર કુમાર શાળાના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી, જેથી તેઓ પોલીસની કામગીરીને નજીકથી સમજી શકે અને કાયદા પ્રત્યે જાગૃત બની શકે.
વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત કરાવવામાં આવી અને પોલીસ કેવી રીતે લોકોની સુરક્ષા માટે કામ કરે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ સાથે, વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. સોશિયલ મીડિયા, ઓનલાઈન ફ્રોડ અને અજાણ્યા લિંક્સથી દૂર રહેવા અંગે સમજણ આપવામાં આવી.
ટ્રાફિક નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે તે અંગે પણ બાળકોને સમજાવવામાં આવ્યું. હેલ્મેટ પહેરવાની જરૂરિયાત, સીટબેલ્ટનો ઉપયોગ અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાની મહત્વતા વિશે માહિતી આપી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં કાયદા પ્રત્યે વિશ્વાસ અને જાગૃતિ વધારવાનો હતો. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોલીસના આ પ્રયાસને સરાહ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai