સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓની પૂર્વતૈયારી: ‘જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેનર્સ’ માટે સઘન તાલીમ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર, 28 માર્ચ (હિ.સ.) રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓને સુચારૂ અને ક્ષતિરહિત રીતે સંપન્ન કરવાના આયોજનના ભાગરૂપે આજે મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્
ગાંધીનગર ખાતે તાલીમ યોજાઈ


ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ


ગાંધીનગર, 28 માર્ચ (હિ.સ.) રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓને સુચારૂ અને ક્ષતિરહિત રીતે સંપન્ન કરવાના આયોજનના ભાગરૂપે આજે મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના તમામ જિલ્લાઓના ‘જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેનર્સ’ (DLMTs) માટે રાજ્યના ત્રણ મુખ્ય કેન્દ્રો પર એક દિવસીય સઘન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વહીવટી સુગમતા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સમગ્ર રાજ્યને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉત્તર ઝોનનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ ઝોનમાં ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, વાવ-થરાદ, સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ અને મહીસાગર એમ કુલ 13 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર ખાતે યોજાયેલી આ તાલીમમાં ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ ઉપસ્થિત રહીને ૨૫ જેટલા તાલીમી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્ય કક્ષાના માસ્ટર ટ્રેનર્સ (SLMTs) દ્વારા તમામ અધિકારીઓને ચૂંટણીની આધુનિક પ્રક્રિયા અને નિયમો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

સમગ્ર તાલીમ પ્રક્રિયાના દેખરેખ અને સંકલન માટે ગાંધીનગર, રાજકોટ અને સુરતના નિવાસી અધિક કલેક્ટરઓની ‘નોડલ અધિકારી’ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આયોગ સાથે સંકલન સાધીને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે.

આ તાલીમ મેળવ્યા બાદ, જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ હવે પોતપોતાના જિલ્લામાં જઈને અન્ય ચૂંટણી સ્ટાફને તાલીમબદ્ધ કરશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની કામગીરી સંપૂર્ણપણે પારદર્શક અને ક્ષતિરહિત રીતે પૂર્ણ કરવાનો છે.

ગાંધીનગર ખાતેના આ કાર્યક્રમમાં ગાંધીનગરના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande