વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, સાણંદ અને નરોડા જીઆઈડીસીના રૂ.271 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે
- સાણંદમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ: ₹૨૪૪ કરોડના ખર્ચે RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન પ્રોજેક્ટ પૂર્ણ - આ પ્રોજેક્ટ્સથી સાણંદ વસાહત હવે ''ઝીરો વોટર લોગિંગ'' ઝોન બનશે ગાંધીનગર, 28 માર્ચ (હિ.સ.) : વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને
ફાઈલ ફોટો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી


- સાણંદમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ: ₹૨૪૪ કરોડના ખર્ચે RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન પ્રોજેક્ટ પૂર્ણ

- આ પ્રોજેક્ટ્સથી સાણંદ વસાહત હવે 'ઝીરો વોટર લોગિંગ' ઝોન બનશે

ગાંધીનગર, 28 માર્ચ (હિ.સ.) : વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના મંત્ર સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૧મી માર્ચ, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના સાણંદ ખાતેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા સંપન્ન થયેલા ₹૨૭૧.૨૦ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

અમદાવાદના સાણંદ ખાતે આશરે ૨,૦૫૬ હેક્ટરમાં ફેલાયેલી ઔદ્યોગિક વસાહત આજે સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા હાઈ-ટેક ઉદ્યોગોનું હબ બની છે. અહીં ૧,૧૫૦થી વધુ એકમો કાર્યરત છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે GIDC દ્વારા બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે.

જેમાં પૂર્વ અને પશ્ચિમ ડ્રેઈન પ્રોજેક્ટ અંતર્ગત વસાહતની બંને બાજુએ ૧૮.૭૧ કિ.મી. લાંબી RCC સ્ટોર્મ વોટર ડ્રેઈન બનાવવામાં આવી છે, જે આંતરિક અને ઉપરવાસના પાણીનો નિકાલ કરશે. તે ઉપરાંત સાણંદ-વિરમગામ હાઈવે પરના મુખ્ય પ્રવેશદ્વારો પાસે ૧૮.૩૫ કિ.મી. લાંબી ડ્રેઈન સિસ્ટમ વિકસાવવામાં આવી છે.

માર્ચ ૨૦૨૬માં પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ્સથી સાણંદ વસાહત હવે 'ઝીરો વોટર લોગિંગ' ઝોન બનવા તરફ આગળ વધી રહ્યું છે.

૧૯૬૩માં સ્થપાયેલી રાજ્યની સૌથી જૂની વસાહતોમાંની એક એવી નરોડા ઔદ્યોગિક વસાહતને પણ રાજ્ય સરકારની 'Assistance for Industrial Infrastructure (A.I.I.)' યોજના હેઠળ નવું કલેવર આપવામાં આવ્યું છે. ₹૨૭.૨૦ કરોડ ના ખર્ચે અહીં વિવિધ કામો પૂર્ણ કરાયા છે. જે અંતર્ગત આંતરિક માર્ગોનું મજબૂતીકરણ અને વિસ્તરણ, સ્ટોર્મ વોટર ડ્રેઈન અને કુદરતી નાળાનું લાઈનિંગ, ૧.૧૯ લાખ ચો.મી. વિસ્તારમાં પેવર બ્લોક, ફૂટપાથ અને પાર્કિંગની સુવિધા તેમજ નવી સ્ટ્રીટ લાઈટ્સ, હાઈ-માસ્ટ લાઈટ્સ, સેક્યુરિટી કેબિન અને ટોયલેટ બ્લોક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી સાણંદ અને નરોડાના હજારો લઘુ અને મોટા ઉદ્યોગોને સીધો ફાયદો થશે. આધુનિક ડ્રેઈન સિસ્ટમ, સ્માર્ટ વોટર મીટર, CCTV સર્વેલન્સ અને મજબૂતીકરણ કરેલ રસ્તાઓને કારણે માલ-સામાનની હેરફેર સરળ બનશે અને વૈશ્વિક રોકાણકારો માટે ગુજરાત વધુ આકર્ષક બનશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનારા આ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મંત્રીમંડળના સભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande