
અમરેલી, 28 માર્ચ (હિ.સ.) : તાલુકા પંચાયત કચેરી સાવરકુંડલા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી (DRDA) દ્વારા NRLM યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં સૌપ્રથમ “ગ્રામહાટ”નું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ છેવાડાના ગામડાઓમાં રહેનાર બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.
“ગ્રામહાટ” દ્વારા સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓને પોતાના ઉત્પાદનોને સીધા બજારમાં વેચવાની તક મળશે. અહીં ગ્રામિણ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા હેન્ડમેડ પ્રોડક્ટ્સ, ખાદ્ય પદાર્થો, હસ્તકલા અને ઘરઉદ્યોગના ઉત્પાદનોને પ્રદર્શન અને વેચાણ માટે પ્લેટફોર્મ આપવામાં આવશે. આથી મહિલાઓને યોગ્ય ભાવ મળશે અને તેઓ આત્મનિર્ભર બનશે.
કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે NRLM યોજના હેઠળ મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને “ગ્રામહાટ” જેવી પહેલ તેમને વધુ સશક્ત બનાવશે.
આ પ્રસંગે તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા. “ગ્રામહાટ”નો પ્રારંભ ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai