
- નોકરીથી પરત આવતી યુવતી પર બાઇક પર આવેલા બે શખ્સોનો હુમલો,સારવાર માટે સિવિલ ખસેડાઈ
અમદાવાદ, 28 માર્ચ (હિ.સ.) : નરોડા વિસ્તારમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે યુવતી પર જવલનશીલ પદાર્થ છાંટવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. નરોડામાં ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં યુવતી નોકરીથી ઘરે પરત ફરતી હતી ત્યારે સોસાયટીમાં બાઈક લઈને બે શખ્સ આવ્યા હતા અને યુવતી પર જ્વલંતશીલ પદાર્થ છાંટ્યો હતો, જેથી યુવતી બૂમ કરવા લાગી હતી. બંને બાઈકચાલક ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
યુવતી દાઝી ગઈ હોવાથી તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સરદારનગર પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટના અંગે જનતા સેના ગુજરાતના અધ્યક્ષ કલ્પેશ પરમારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદની નરોડા વિસ્તારમાં દલિત સમાજની એક દીકરી મોટરકારના શો-રુમમાંથી નોકરી પતાવીને ઘર તરફ આવી રહી હતી ત્યારે સોસાયટીની બહાર બે અજાણ્યા બાઈકચાલકોએ આવીને તેના પર એસિડ કે તેના જેવુ કોઈ જ્વલંતશીલ પદાર્થ ફેંકી તેના પર હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે દીકરી દાઝી ગઈ હતી. પરિવારજનો અને આસપાસના લોકો તરફથી મળતી માહિતી મુજબ દીકરીને આંખના ભાગે તેને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
પીડિતાની માતાએ રડતી આંખે આ ઘટના અંગે જણાવ્યુ હતું કે, મારી છોકરી નોકરીથી આવતી હતી અને બે બાઈકચાલકોએ આવીને તેના પર શું નાખ્યું ને મારી છોકરી બળી ગઈ. આ એનો બાપ જ કરાવે છે એવો એણી માટે આક્ષેપ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ