નર્મદાના દેડિયાપાડાના જુના મોઝદા ગામે પીએમ કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ
- દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નિર્મિત આ પ્રોજેક્ટથી આદિજાતિ વિસ્તારના 1500થી વધુ ખેડૂતોને લાભ થશે - વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું રાજપીપલા,28 માર્ચ (હિ.સ.) દક
સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ


- દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નિર્મિત આ પ્રોજેક્ટથી આદિજાતિ વિસ્તારના 1500થી વધુ ખેડૂતોને લાભ થશે

- વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

રાજપીપલા,28 માર્ચ (હિ.સ.) દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના અંતર્ગત કોમ્પોનેન્ટ-B હેઠળ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં જુના મોઝદા ગામે સોલાર કૃષિ પંપ પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટનું ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના રાજ્ય મંત્રી અને નર્મદા જિલ્લાના સહ પ્રભારી મંત્રી પ્રવિણ માળીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંત્રી પ્રવિણ માળીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, PM-KUSUM યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ માટે રૂપિયા 5 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી 60 ટકા અને રાજ્ય સરકાર તરફથી 40 ટકા સબસિડી પણ આપવામાં આવે છે.

આ યોજના ખેડૂતોને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડીને સસ્તી અને પર્યાવરણમૈત્રી ઊર્જા તરફ દોરી જાય છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ખેડૂતોની સમૃદ્ધિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર તથા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત કાર્યરત થઈને ‘વિકસિત ભારત @2047’ના સ્વપ્નને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

નર્મદા જિલ્લામાં આ યોજનાના અમલીકરણ માટે રૂપિયા 62 કરોડના ખર્ચે પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી આદિજાતિ વિસ્તારના અંદાજે 1500થી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે.

ખાસ કરીને અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં સોલાર પંપ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેનાથી તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે.

લાભાર્થી ખેડૂત સિંગા વસાવાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, અગાઉ તેઓ માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી કરી શકતા હતા, હવે સોલાર પંપ મળતાં ત્રણેય ઋતુમાં ખેતી કરી શકશે, જેના માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ યોજનાથી ખેડૂતોને સોલાર આધારિત સિંચાઈ સુવિધા મળતાં ખેતી ખર્ચમાં ઘટાડો, પાણી બચત તથા ઉત્પાદનક્ષમતામાં વધારો થશે. ખાસ કરીને ગ્રીડ વીજ પુરવઠા વિનાના વિસ્તારોમાં સ્ટેન્ડ-અલોન (ઓફ-ગ્રીડ) સોલાર પંપ ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલ ચેક પોસ્ટના નવીનીકરણનું પણ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેડીયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્ય વર્ધન કેન્દ્ર અને ‘નમો વડ વન'ની મુલાકાત પણ લીધી હતી.

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર એસ. કે. મોદી, નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ, દેડિયાપાડાના પ્રાંત અધિકારી જુહી પાંડે, અને મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande