
વલસાડ, 29 માર્ચ (હિ.સ.) : વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા રોહિણા ગામમાં પછાત વર્ગ સેવા સંઘ સંચાલિત આશ્રમશાળા ખાતે વિવિધ વિકાસ કાર્યોનો ઉદ્ઘાટન સમારોહ રવિવારે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કોમ્યુનિટી હોલ, સોલાર પેનલ સિસ્ટમ, આરઓ વોટર કુલર પ્લાન્ટ સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અહીં પુસ્તના જ્ઞાનની સાથે સ્કિલ આધારિત કમ્પ્યુટર અને સીવણ કલાસના વર્ગો પણ ચાલી રહ્યા છે. જે ખુશીની વાત છે. સ્કિલ આધારિત શિક્ષણથી બાળકો શિક્ષણની સાથે આત્મનિર્ભર બનવા તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે. આ સંસ્થાના વિકાસ માટે દાનની ધારા વહેડાવનાર દાનવીરો અને પછાત વર્ગ સેવા સંઘના પ્રમુખ નટુભાઈ એલ. પટેલ અભિનંદનને પાત્ર છે. આગામી દિવસોમાં સાયન્સના વર્ગો પણ શરૂ થાય તેવી શુભેચ્છા પાઠવું છુ.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, અહીં બાળકો માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. ઉત્તમ કાકા હયાત હતા ત્યારે કનુભાઈ દેસાઈને આ આશ્રમશાળાનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. આ આશ્રમશાળા કપરાડા અને ધરમપુરના આદિવાસી બાળકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઇ છે. આપણા વડીલો અને પૂર્વજોએ કરેલા કાર્યોને આપણે નિભાવવાના છે. હાલમાં ધો.9 ના વર્ગની મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં ધો.10ના ક્રમિક વર્ગ પણ ચાલુ થશે. દાતાઓના દાનના સદઉપયોગથી સુંદર સેવા કાર્યો થઈ રહ્યા છે.
આ પ્રસંગે પારડી તાલુકા પંચાયતના સભ્ય વિજય પટેલ, જેટકોના સુપ્રિટેન્ડન્ટ એન્જિનીયર પી.એન.પટેલ, એકજિક્યુટિવ એન્જિનીયર જે.એલ. ચૌધરી, વાપી વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલ, ખેરલાવના સરપંચ મયંક પટેલ સહિત દાતાઓ અને ગામના આગેવાનો તેમજ સંસ્થાના હોદેદારો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન સંઘના પ્રમુખ નટુભાઈ એલ પટેલે કર્યું હતું, જયારે આભારવિધિ આશ્રમશાળાના આચાર્ય સતિષભાઈ એલ. પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત શિક્ષક જગદીશભાઇ પટેલે કર્યું હતું.
આ આશ્રમ શાળામાં જેટકો વડોદરા CSR પ્રોજેક્ટ તરફથી વાપી VIA મારફતે કુલ રૂ. 62,18,834ના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં (1) કોમ્યુનિટી હોલ (2) કમ્પાઉન્ડ વોલ (3) 20 KW સોલાર પેનલ સિસ્ટમ અને આ ઉપરાંત વિવિધ દાતાઓના સહયોગથી અન્ય સુવિધાઓમાં (4) પ્રાર્થના મંદિર, (5) સાયન્સ લેબ, (6) કમ્પ્યુટર લેબ, (7) કૌશલ્ય વર્ધન કેન્દ્ર (સીવણ ક્લાસ), (8) આરઓ વોટર કુલર પ્લાન્ટ અને (9) આશ્રમ વાટિકા આ રીતે કુલ 9 એકમોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગરીબ અને આદિવાસી બાળકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય એવા શુભ ઉદ્દેશ્ય સાથે તા. 10/09/1967ના રોજ આ આશ્રમશાળાની સ્થાપના ઈશ્વરભાઈ છોટુભાઈ દેસાઈ, ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ (માજી કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રી) તથા રમણભાઈ દેવાભાઈ પટેલ (માજી ધારાસભ્ય) દ્વારા કરવામાં આવી હતી.
હાલ આ આશ્રમશાળામાં ધોરણ 1 થી 8માં કુલ 170 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 85 કુમાર અને 85 કન્યાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, રસોઈ ઘર, ભોજનાલય, 12 વર્ગખંડ, 30 સીસીટીવી કેમેરા, 26 સ્નાનગૃહ તથા 26 શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે ટોય રૂમ, લાઇબ્રેરી અને સ્માર્ટ ક્લાસની પણ વ્યવસ્થા છે. આશ્રમશાળામાં કુલ 11 શૈક્ષણિક તથા 1 બિન-શૈક્ષણિક કર્મચારી કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે