
પાટણ, 29 માર્ચ (હિ.સ.) : એ.કે.વ્યાસ અને વાય.આર.સાંડેસરાની બહેરા મૂંગા શાળા દ્વારા પાટણના 8 બહિરા ખેલાડીઓએ 13 મેડલ સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું. આ નેશનલ ડેફ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ અમદાવાદમાં આયોજિત હતી, જેમાં 21 રાજ્યોના 750 કરતાં વધુ ખેલાડીઓએ ભાગ લીધો.
પાટણના 12 ખેલાડીઓએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમમાં 8 ખેલાડીઓએ મેડલ જીત્યા. નિતા રબારીએ 800 મીટર દોડમાં નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો અને ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા. અન્ય વિજેતાઓમાં ક્રિષ્નુજી ઠાકોરે બે મેડલ, કરિશ્મા દેવીપૂજકે બે મેડલ, કોમલ ડોસાણીએ એક ગોલ્ડ, પૂજા ઠાકોરે બે સિલ્વર, અર્જુન પટણીએ એક બ્રોન્ઝ, રાજવીર પંડ્યાએ એક સિલ્વર અને કાજલ પ્રજાપતિએ એક સિલ્વર મેડલ જીત્યા.
કુલ મળીને, શાળાએ 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીતીને 13 મેડલ મેળવ્યા. ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અનુસાર ગોલ્ડ મેડલ વિજેતા ને 3 લાખ, સિલ્વર મેડલ વિજેતા ને 2 લાખ અને બ્રોન્ઝ મેડલ વિજેતા ને 1 લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે, જેમાં કુલ 25 લાખથી વધુનો પુરસ્કાર મળશે.
આ સિદ્ધિ માટે શાળાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે અને કોચ ઘેમરભાઈ દેસાઈની ટીમની મહેનતને સન્માન આપવામાં આવ્યું છે. જિલ્લા સમિતિના અધિકારીઓએ પણ ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.
મુંબઈથી શાળાના ટ્રસ્ટીઓ અને અન્ય આગેવાનો દ્વારા પણ વિજેતા ખેલાડીઓને શુભકામનાઓ આપવામાં આવી, તેમજ ખેલાડીઓને માર્ગદર્શન આપનાર કોચો અને સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ