
સુરત, 29 માર્ચ (હિ.સ.) : સુરતના પર્વત પાટિયા વિસ્તાર નજીક કબૂતર સર્કલ પાસે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. યોગ્ય અને મજબૂત બેરિકેડના અભાવે એક એક્ટિવા પર સવાર દંપતી અચાનક સંતુલન ગુમાવતા લગભગ 20 ફૂટ ઊંડા ખાડામાં પટકાયું, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો.
આ ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે ખાડા આસપાસ પૂરતી સુરક્ષા વ્યવસ્થા નહોતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને મેટ્રો પ્રોજેક્ટના સંચાલન પર સવાલો ઊભા થયા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, સ્થળ પર મજબૂત સિમેન્ટ બેરિકેડના બદલે માત્ર નાજુક પતરાના બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, જેના કારણે અકસ્માતની શક્યતા વધી ગઈ હતી. ઘટના બાદ તરત જ સ્થાનિક લોકો અને ટીમ દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી અને જેસીબી તથા ક્રેનની મદદથી દંપતીને બહાર કાઢવામાં આવ્યું. બંનેને ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા.
આશ્ચર્યજનક રીતે, અકસ્માત પછી જ મેટ્રો તંત્ર સક્રિય બન્યું અને ઘટનાસ્થળે મજબૂત સિમેન્ટ બેરિકેડ મૂકવાની કામગીરી હાથ ધરાઈ. ઘટનાએ સુરક્ષા નિયમોની અવગણના અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે