
ભાવનગર, 29 માર્ચ (હિ.સ.) પોરબંદર રેલવે સ્ટેશન પર કાર્યરત કોમર્શિયલ સુપરવાઈઝર શ્રી કૃપિન જે. ધારૈયાએ પોતાની ફરજથી આગળ વધીને કાર્ય કરતા રેલવેની સેવા ભાવના અને મુસાફરોના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.
ડ્યુટી દરમિયાન રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા એક લાવારિસ બેગ LPO (Lost Property Office) માં જમા કરાવવામાં આવી હતી. બેગમાં કપડા, ₹8000 રોકડ, મોબાઈલ ચાર્જર અને જરૂરી દવાઓ હતી, પરંતુ તેમાં મુસાફરની ઓળખ સંબંધિત કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી.
નિયમ મુજબ બેગ સુરક્ષિત રીતે જમા કરી દેવામાં આવી હતી, પરંતુ ધારૈયા અહીં સંતોષ માન્યા નહીં. તેમનો ઉદ્દેશ માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવાનો નહોતો, પરંતુ મુસાફરની અમાનત તેને જ પરત આપવાનો હતો.
આ દિશામાં તેમણે બેગમાં રહેલા કપડાંની તપાસ કરી, જેમાં એક શર્ટ પર જેટપુર સિટી ના એક દરજીની દુકાનનો સ્ટિકર મળ્યો. બીજા જ દિવસે તેમણે ઇન્ટરનેટ દ્વારા દુકાનનું સરનામું શોધ્યું। સંપર્ક નંબર ઉપલબ્ધ ન હોવાથી તેમણે પોતાના ઓળખીતાને જેટપુર મોકલી દરજી પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.
પ્રારંભમાં દરજીને ગ્રાહક યાદ નહોતો, છતાં ધારૈયાએ હિંમત હારી નહીં. તેમણે દરજી પાસેથી કપડાંના સાઇઝના આધારે છેલ્લા એક મહિનાના ગ્રાહકોની યાદી મેળવી અને તમામ સંભવિત ગ્રાહકોનો સંપર્ક કરાવ્યો.
તેમની આ સતત અને બુદ્ધિપૂર્વકની પહેલના પરિણામે સંબંધિત મુસાફરનો પતો લગાવવામાં સફળતા મળી અને તેમનો સામાન સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યો. મુસાફરે પોતાની અમાનત પરત મળતાં ખુશી વ્યક્ત કરી અને સંબંધિત કર્મચારી તેમજ રેલવે પ્રશાસનનો આભાર માન્યો.
વિભાગીય રેલવે મેનેજર દિનેશ વર્માએ કૃપિન જે. ધારૈયાના આ પ્રશંસનીય કાર્યની ભરપૂર પ્રશંસા કરી અને તેમને ભવિષ્યમાં પણ આ પ્રકારના ઉત્તમ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા.
આ ઘટના માત્ર રેલવે કર્મચારીઓની ઈમાનદારી અને સમર્પણ દર્શાવતી નથી, પરંતુ એ પણ સાબિત કરે છે કે ભારતીય રેલવે પોતાના મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ