
પાટણ, 29 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલ ચામુંડા માતાજી મંદિરે એક વિશાળ રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ઠાકોર સમાજના ભાઈઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહીને માતાજીની પૂજા અર્ચના કરી હતી.
આ રમેલમાં સિકોતર માતાના ભુવાજી ગોવિંદજી પોપટજી, પ્રકાશજી ઠાકોર, ગોગા મહારાજના ભુવાજી મુકેશજી હમીરજી, અને ચામુંડા માતાના ભુવાજી દશરથભાઈ પુરોહિત (કડી) સહિત મોટી સંખ્યામાં ભુવાજીઓ હાજર રહ્યા હતા. તેમણે માતાજીની ધૂણ લગાવીને ઠાકોર પરિવારોને શ્રદ્ધા અને આશીર્વાદ આપ્યા.
મોડી રાત સુધી ચાલેલા આ ધાર્મિક પ્રસંગમાં, બહારગામથી પણ અનેક ઉપાસકો પધાર્યા હતા, જેમણે આ રમેલની શોભા વધારી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ચંદ્રુમાણીયા ઠાકોર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ