
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના માંકણજ સ્થિત આયુષ્માન આરોગ્ય મંદિરમાં દિલ્લીની નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર (NHSRC)ની ટીમ દ્વારા નેશનલ લેવલ NQAS (National Quality Assurance Standards) એસેસમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ એસેસમેન્ટ જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા અને જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. આરોગ્ય સેવાઓની ગુણવત્તા, સુવિધાઓ, દર્દી સંભાળ અને હોસ્પિટલ મેનેજમેન્ટ જેવા વિવિધ માપદંડો આધારે ટીમ દ્વારા વિસ્તૃત ચકાસણી કરવામાં આવી હતી.
NQAS એસેસમેન્ટનો મુખ્ય હેતુ આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ સેવાઓની ગુણવત્તા સુધારવા અને દર્દીઓને વધુ સક્ષમ તથા સુવિધાસભર સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રક્રિયા દ્વારા આરોગ્ય કેન્દ્રોની કામગીરીનું મૂલ્યાંકન કરી સુધારાની દિશામાં પગલાં લેવામાં આવે છે.
માંકણજ આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમે આ એસેસમેન્ટ માટે જરૂરી તમામ તૈયારીઓ કરી ઉત્તમ કામગીરી દર્શાવી હતી. આ ઉપલબ્ધિથી જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂતી મળશે અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પહોંચાડવામાં મદદ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR