
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) મહેસાણા શહેરને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન રિસાયકલ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. શહેરમાંથી દરરોજ એકત્રિત થતો સૂકો અને ભીનો કચરો આ પ્લાન્ટમાં આધુનિક મશીનરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરવામાં આવે છે.
પ્લાન્ટમાં કચરાનું સુવ્યવસ્થિત વિભાજન કરીને રિસાયકલિંગ કરવામાં આવે છે, જેના પરિણામે પર્યાવરણને નુકસાન ઓછું થાય છે. ભીના કચરામાંથી ગુણવત્તાસભર કોમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે, જે કૃષિ માટે ઉપયોગી સાબિત થાય છે. જ્યારે સૂકા કચરામાંથી પ્લાસ્ટિક અને અન્ય સામગ્રીનું અલગ-અલગ વર્ગીકરણ કરીને યોગ્ય નિકાલ કરવામાં આવે છે.
આ પહેલ શહેરમાં સ્વચ્છતા જાળવવા સાથે સાથે કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘરેથી જ સૂકો અને ભીનો કચરો અલગ રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
નાગરિકોના સહયોગથી મહેસાણાને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR