પુણાગામમાં જૂની રંજિશને લઈ યુવક પર હુમલો, 9 આરોપીઓ સામે ગંભીર ગુનો નોંધાયો
સુરત, 11 એપ્રિલ (હિ.સ.): સુરતના પુણાગામ વિસ્તારમાં જૂના વિવાદ અને નાણાકીય મુદ્દાને કારણે એક યુવક પર થયેલા હુમલાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. લાલજીભાઈ ચૌહાણ નામના યુવકને કેટલાક શખ્સોએ બોલાવી હુમલો કર્યો હતો, જેમાં ચપ્પુ, ગુપ્તી અને લોખંડના પાઈપ
Knife


સુરત, 11 એપ્રિલ (હિ.સ.): સુરતના પુણાગામ વિસ્તારમાં જૂના વિવાદ અને નાણાકીય મુદ્દાને કારણે એક યુવક પર થયેલા હુમલાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. લાલજીભાઈ ચૌહાણ નામના યુવકને કેટલાક શખ્સોએ બોલાવી હુમલો કર્યો હતો, જેમાં ચપ્પુ, ગુપ્તી અને લોખંડના પાઈપ જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘટનામાં હુમલાખોરોએ પિસ્તોલ બતાવી ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, લાલજીભાઈ પાસે અગાઉ કામ કરતી એક યુવતીએ રૂપિયા લીધા હતા, જેને લઈને બંને પક્ષ વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. પૈસા પરત માંગવા જતા ગેરસમજ વધતાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ આરોપીઓએ લાલજીભાઈને ફોન કરીને મળવા બોલાવ્યા અને ત્યાં પહોંચતા જ તેમના પર હુમલો કર્યો હતો.

હુમલાના સમયે આરોપીઓએ યુવકને ઘેરીને નિર્દયી રીતે માર માર્યો હતો. બચવા માટે લાલજીભાઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ પીછો કરીને ફરીથી તેમને પકડી પાડ્યા હતા. હુમલામાં તેમની આંખ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય ભાગોમાં પણ મુંઢ માર વાગ્યો હતો.

ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમને ટાંકા મુકવા પડ્યા હતા. પોલીસએ આ મામલે રાયોટિંગ અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ નવ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande