
ગીર સોમનાથ 11 એપ્રિલ (હિ.સ.) : ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારી નોંધાવી હતી. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને કોંગ્રેસ પક્ષે પણ તમામ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસ અને ભાજપ પક્ષના ઉમેદવારો હાલ તો જીતનો વિશ્વાસ કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે અંતિમ દિવસે પૂર્ણ થઈ છે. છેલ્લા દિવસે રાજકીય ગતિવિધિઓમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ખાસ કરીને ભાજપ પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા.
ભાજપના ઉમેદવારો પોતાના સમર્થકોના મોટા કાફલા સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી હતી. નોંધનીય બાબત એ રહી કે ચાલુ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવિરસિંહ ઝાલાની ટિકિટ કપાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આંકડાકીય રીતે જોવામાં આવે તો,
સુત્રાપાડા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે કુલ 77 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે.
જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે કુલ 19 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાને કારણે સમગ્ર દિવસ દરમિયાન ચૂંટણી કચેરીઓ ખાતે ભારે ભીડ અને રાજકીય ચહલપહલ જોવા મળી હતી. હવે આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મની તપાસ (સ્ક્રુટિની) તથા પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારબાદ ચુંટણી ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.
સુત્રાપાડા તાલુકામાં આ વખતે ચૂંટણી જંગ રસપ્રદ બનવાની પૂરી શક્યતાઓ છે, કારણ કે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સીધી ટક્કર સાથે અનેક બેઠકો પર ત્રિકોણીય મુકાબલાની પણ શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ