
કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં સસ્તુ સોનુ આપવાની લાલચ આપી કરવામાં આવેલી કરોડોની ઠગાઈનો ભાંડાફોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ દ્વારા ઝડપી કાર્યવાહી સાથે કરવામાં આવ્યો છે. પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડી તેમના પાસેથી રૂ. 52 લાખની રકમ રીકવર કરી, જે જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી તરીકે નોંધાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, ફરીયાદીએ તા. 09/04/2026ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી જાણ કરી હતી કે બે શખ્સોએ બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની લાલચ આપી તેની સાથે મોટી ઠગાઈ આચરી છે. આરોપીઓએ પોતાની ખોટી ઓળખ આપી વિશ્વાસ ઉભો કર્યો અને સોનાના બિસ્કિટ બતાવી સસ્તા ભાવે આપવાની વાત કરી હતી.
ફરીયાદી પાસેથી વર્ષ 2024 દરમિયાન અલગ-અલગ તબક્કામાં કુલ રૂ. 75 લાખ ઉઘરાવવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર રૂ. 14 લાખના બે સોનાના બિસ્કિટ આપ્યા બાદ બાકીના રૂ. 61 લાખ માટે કોઈ સોનુ કે રકમ પરત આપવામાં આવી નહોતી. આ રીતે આરોપીઓએ વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી.
આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠી સાહેબને સોંપવામાં આવી હતી.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCB ટીમે ઝડપી કામગીરી હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓમાં (1) રાહુલ સોની (સાચુ નામ અલ્તાફ હુસેન જત) અને (2) હાજી વલીમામદ કકલનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ઠગાઈમાં મેળવેલી રકમમાંથી રૂ. 52 લાખ રોકડા, એક હ્યુન્ડાઇ ક્રેટા કાર (નં. GJ-01-WD-3511) અને એક મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાજી વલીમામદ કકલનો અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણી રહી ચૂકી છે, જેમાં લેન્ડ ગ્રેબિંગ, હત્યાના પ્રયાસ, લૂંટફાટ અને છેતરપીંડી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સંભાવના છે કે આ ઠગાઈ ગેંગના વધુ કિસ્સાઓ પણ બહાર આવી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar