
કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) : અંજાર શહેરમાં આશાબા વે-બ્રીજ નજીક બનેલી ખૂનની ગંભીર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી, પરંતુ અંજાર પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તા. ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરના સમયે અંજાર ટાઉન વિસ્તારમાં આશાબા વે-બ્રીજ નજીક અંજારથી ગાંધીધામ જતાં સર્વિસ રોડ પર આવેલા મોર્ડન ગેરેજમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે છરી વડે ઘાતક ઈજા પહોંચાડ્યા બાદ પોતાનું મોટરસાયકલ સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એચ.એ. જાડેજાએ જાતે તપાસ હાથ ધરી અને ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક તપાસ શરૂ કરી.
સ્થળ પરથી આરોપી દ્વારા છોડાયેલ મોટરસાયકલના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેની ઓળખ મેળવી, પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પેટ્રોલિંગ દરમિયાન હ્યુમન સોર્સની મદદથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી બાબુ ઉર્ફે દીપક પ્રેમજીભાઈ મહેશ્વરીએ ગુનો કબૂલ કર્યો હતો. તેણે જણાવ્યું કે તે અને મૃતક ગાંધીધામની એક ગેરેજમાં સાથે કામ કરતા હતા અને તેના પાસેથી રૂપિયા લેવા બાકી હતા. વારંવાર માંગવા છતાં રૂપિયા ન મળતા અને ફોન ન ઉઠાવતાં મનદુઃખ રાખીને તેણે આ પગલું ભર્યું હતું.
આ બનાવ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આરોપી સામે બી.એન.એસ. કલમ 103(1) તથા જી.પી.એક્ટ કલમ 135 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ વધુ તપાસ ચાલુ છે.
આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે નાણાકીય વિવાદ ક્યારેક ગંભીર અપરાધમાં પણ ફેરવાઈ શકે છે, ત્યારે વ્યક્તિગત વિવાદોને કાયદેસર રીતે ઉકેલવાની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar