અંજારમાં ઘરફોડ ચોરીનો પર્દાફાશ: પોલીસની ઝડપી કામગીરીથી બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા
કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) : અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં આવેલી દિવ્યા-૦૨ સોસાયટીમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનાનો અંજાર પોલીસે ઝડપી પર્દાફાશ કરી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસની તકેદારી અને ટેક્નિકલ તપાસના આધારે આ ગુનાનો ભેદ ઉ
Theft


કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) : અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં આવેલી દિવ્યા-૦૨ સોસાયટીમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટનાનો અંજાર પોલીસે ઝડપી પર્દાફાશ કરી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસની તકેદારી અને ટેક્નિકલ તપાસના આધારે આ ગુનાનો ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં રાહતનો માહોલ સર્જાયો છે.

માહિતી અનુસાર, ગત તા. ૦૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ દિવ્યા-૦૨ સોસાયટીમાં આવેલ એક રહેણાંક મકાનમાં અજાણ્યા ચોરોએ પાછળના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાંથી તિજોરી તોડી રોકડા રૂપિયા અને ચાંદીના દાગીના મળી કુલ આશરે રૂ. ૩૬,૦૦૦નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજનું વિશ્લેષણ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સંદિગ્ધ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી હતી.

તપાસ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે અંજારના ૧૨ મીટર રોડ વિસ્તારમાંથી બે શંકાસ્પદ યુવકોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ ઘરફોડ ચોરીમાં સંડોવણી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેમની પાસેથી ચોરી ગયેલ મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં (૧) અનીલ રામજીભાઈ કોલી (ઉંમર ૨૧) અને (૨) વિશાલ હરીભાઈ કોલી (ઉંમર ૨૦) નો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીનું કડું (આશરે ૧૫૦ ગ્રામ), રોકડા રૂપિયા અને અન્ય ચલણી નોટો મળી કુલ રૂ. ૩૫,૭૪૭નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સફળ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ ટીમે કરી છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande