


કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) : કચ્છની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ સરદાર પોસ્ટે ફરી એકવાર શૌર્ય, બલિદાન અને દેશભક્તિની ગાથાને જીવંત બનાવી દીધી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા “શૌર્ય દિવસ”ની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી, જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની વીરતાને નમન કરવામાં આવ્યું.
આ અવસરે CRPFના વરિષ્ઠ અધિકારીઓ સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), રાજ્ય પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો અને સરહદે શહીદ થયેલા જવાનોની યાદમાં સન્માનપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા.
શૌર્ય દિવસ માત્ર ઉજવણી નથી, પરંતુ તે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થયેલા અદભૂત પરાક્રમની યાદ અપાવે છે. તે સમયે પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલ “ઓપરેશન ડેઝર્ટ હોક”નો સામનો કરવા સરદાર પોસ્ટે CRPFની એક નાની ટુકડીએ અપ્રતિમ હિંમત બતાવી હતી.
માત્ર 150 જેટલા જવાનોની ટુકડીએ 3000થી વધુ દુશ્મન સૈનિકો સામે મોરચો સંભાળ્યો હતો. ચારેય બાજુથી ઘેરાયેલા હોવા છતાં જવાનો એ હિંમત હાર્યા વગર પ્રતિકાર કર્યો અને દુશ્મનને પાછું ખસેડવામાં સફળ રહ્યા. આ જંગમાં CRPFના જવાનોની બહાદુરીએ સાબિત કરી દીધું કે સંખ્યાબળ નહીં પરંતુ હિંમત અને દેશપ્રેમ જ સાચી જીત અપાવે છે. આ લડતમાં દુશ્મનના 34 સૈનિકો માર્યા ગયા હતા અને 4 સૈનિકોને જીવતા પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે દેશ માટે લડતા લડતા CRPFના 7 જવાનોએ શહાદત વહોરી હતી.
કાર્યક્રમ દરમિયાન CRPF મુંબઈ ક્ષેત્રના આઈજી વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, સરદાર પોસ્ટની લડત દરેક ભારતીય માટે ગર્વની બાબત છે. તેમણે યુવા કેડેટ્સને સંદેશ આપતા કહ્યું કે, “હાર ત્યારે જ થાય છે જ્યારે માણસ મનથી હારી જાય. મક્કમ મનોબળ અને દેશપ્રેમથી કોઈપણ પડકારને હરાવી શકાય છે.” તે ઉપરાંત ગાંધીનગર CRPFના ડીઆઈજી ધર્મેન્દ્ર સિંહ વિસેને શૌર્ય દિવસને વીરતાનું ઉત્તમ પ્રતિક ગણાવી BSFના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રદ્ધાંજલિ અને સન્માનના કાર્યક્રમ અંતગત શૌર્ય દિવસ નિમિત્તે સરદાર પોસ્ટે બેન્ડની સાથે શહીદોને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણમાં દેશભક્તિની લાગણી છવાઈ ગઈ હતી. ઉપસ્થિત તમામ અધિકારીઓ અને જવાનો એ શહીદોના બલિદાનને યાદ કરીને તેમને નમન કર્યું અને દેશની સરહદોની સુરક્ષા માટે વધુ મક્કમ સંકલ્પ લીધો.
આ પ્રસંગે CRPF અને BSFના અનેક ઉચ્ચ અધિકારીઓ, પોલીસ વિભાગના પ્રતિનિધિઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ રીતે કચ્છની ધરતી પર ઉજવાયેલો શૌર્ય દિવસ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દેશ માટે જીવ અર્પણ કરનાર શહીદોની અમર ગાથાને જીવંત રાખવાનો પવિત્ર પ્રયાસ છે. સરદાર પોસ્ટ આજે પણ દેશભક્તિ અને શૌર્યનું પ્રતિક બનીને નવી પેઢીને પ્રેરણા આપતું રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar