
કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) :ભુજ શહેરમાં ચોરીના વધતા બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. ભુજ શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા આધાર પુરાવા વગરના તાંબા અને એલ્યુમીનીયમના વાયરો સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં વધતી ચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલે સ્ટાફને સક્રિય કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન નળ સર્કલ વિસ્તારમાં પોલીસને ખાનગી બાતમી મળી હતી કે દાદુપીર રોડ પર રહેતો ઇમરાન ઉર્ફે મીઠુ જુસબ ગગડા પોતાના ઝૂંપડામાં ચોરીના કેબલ વાયર છુપાવી રાખી વેચવાની તૈયારીમાં છે. બાતમીના આધારે પોલીસ ટીમે તરત જ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ઝૂંપડાના પાછળના ભાગે અલગ-અલગ કોથળાઓમાં તાંબા અને એલ્યુમીનીયમના વાયરોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે આરોપી પાસે આ સામાન અંગે કોઈ બિલ કે આધાર પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.
પોલીસે આશરે ૧૨૦ કિલો વજનના વાયર, અંદાજિત કિંમત રૂપિયા ૨૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે. તેની સામે બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૬ અને ૩૫(૧) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી લોકલ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. પોલીસ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવતા શહેરમાં ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar