ગાંધીધામમાં ક્રિકેટ સટ્ટા પર પોલીસનો કડક પ્રહાર: લાઈવ મેચ દરમિયાન બે આરોપીઓ ઝડપાયા
કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે, જેને કારણે શહેરમાં સટ્ટાબાજો વચ્ચે
Cricket


કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે, જેને કારણે શહેરમાં સટ્ટાબાજો વચ્ચે હડકંપ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને અનુસરીને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી (અંજાર વિભાગ) અને પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે સક્રિય કામગીરી હાથ ધરી હતી.

પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ વિસ્તારમાં કેટલાક ઇસમો PSL 2026 ની હૈદરાબાદ કિંગ્સમેન અને પેશાવર જાલમી વચ્ચે ચાલી રહેલી લાઈવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે તરત જ સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન નવીન મિથિલેષ પાસવાન (ઉ.વ. 26) અને ધિરજકુમાર ગોપાલ ચૌધરી (ઉ.વ. 38)ને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ મોબાઈલ ફોન દ્વારા લાઈવ મેચમાં રનફેર અને જીત-હાર પર સટ્ટો રમતા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ બે મોબાઈલ ફોન (અંદાજિત કિંમત રૂપિયા 10,000) અને રોકડા રૂપિયા 3,500 કબ્જે કર્યા છે. આ મામલે બંને સામે જુગાર અધિનિયમની કલમ 12(અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande