

કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીને અંકુશમાં લેવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), ભુજ દ્વારા ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેન્ટોનાઇટ ખનીજના ગેરકાયદેસર ખનન મામલે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહેલી ખનીજ ચોરી અટકાવવા માટે ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. આ સૂચનાઓના અનુસંધાનમાં LCB ટીમ સતત પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીના આધારે કામગીરી કરી રહી છે.
એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે વાંઢ ગામની સીમમાં આવેલી લીઝ ધરાવતી જમીન બહાર ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ માટીનો સંગ્રહ અને ખોદકામ થઈ રહ્યો છે.
માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાં એક એસ્કેવેટર મશીન દ્વારા ખાણકામ ચાલુ હોવાનું જણાયું હતું. સ્થળ પર હાજર લીઝ ધારકના પ્રતિનિધિ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી.
ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા બાદ તપાસ કરતા ખોદકામ શંકાસ્પદ અને નિયમોના ભંગ સાથે થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પરથી આશરે રૂ. 50 લાખ કિંમતનું એસ્કેવેટર મશીન સીઝ કર્યું હતું.
હાલમાં સમગ્ર મામલે ગેરકાયદેસર ખનન અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સંકળાયેલા લોકો સામે કડક પગલાં લેવાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત અભિગમ રાખવામાં આવશે તેવો સંદેશો આપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar