
કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) :ગાંધીધામ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસએ એન.ડી.પી.એસ. અધિનિયમ હેઠળના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડીને કાયદાનો કડક અમલ કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ-ભુજ) તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી દ્વારા પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ માર્ગદર્શન હેઠળ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાએ પોતાની ટીમને સક્રિય બનાવી અને સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગાંધીધામ વિસ્તારમાં રેડ કરીને એક મહત્વપૂર્ણ આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીનું નામ દિલીપ જુગેશ્વર પાસવાન (ઉંમર ૫૪ વર્ષ) છે, જે મૂળ બિહાર રાજ્યના શેખપુરા જિલ્લાના રહેવાસી છે અને હાલ ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હતો. તપાસ મુજબ આ આરોપી અગાઉ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ નોંધાયેલા એન.ડી.પી.એસ. કેસમાં ગાંજાનો જથ્થો પૂરું પાડનાર તરીકે સંડોવાયેલ હતો અને ત્યારથી ફરાર હતો.
પોલીસે તેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હવે આ કેસમાં વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસના મતે, આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય સંડોવાયેલા લોકો વિશે પણ મહત્વપૂર્ણ માહિતી મળવાની શક્યતા છે.
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પો.સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢીયા, એસ.જે. પઢાર તથા તેમની ટીમના અન્ય પોલીસ કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી સફળ બની છે.
ગાંધીધામ પોલીસની આ ઝડપી અને ચોક્કસ કામગીરીથી નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક સંદેશો ગયો છે અને સ્થાનિક લોકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar